'ઉપનયન' એ બ્રાહ્મણોના જીવનનો એક મહત્વપૂર્ણ સંસ્કાર છે. આ સંસ્કારથી જ દ્વિજત્વના અધિકારી ત્રણ વર્ણોના બાળકોને દ્વિજત્વ પ્રાપ્ત થાય છે. ‘ઉપનયન’ શબ્દ સંસ્કૃત ધાતુ उप+नी નજીક લઇ જવું, દોરી જવું પરથી બન્યો છે. એનો શાબ્દિક અર્થ ‘વિદ્યાર્થીને એના ગુરુ પાસે એના શિક્ષણ માટે લઇ જવો’ તે છે. આ સંસ્કારથી ત્રણે વર્ણોને વેદજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ મળતો. આ સંસ્કાર વડે મનુષ્યના જ્ઞાન અને ચારીત્ર્યનો પાયો નંખાય છે અને મનુષ્ય નવું જીવન પામે છે.
'ઉપનયન' દ્વારા વ્યકિતના સક્રિય સામાજીક જીવનનો પ્રારંભ થાય છે. ઉપનયનથી શરૂ થતું શિક્ષણ એને સામાજીક કર્તવ્યોનો બોજ ઉઠાવવા તથા ધર્મપ્રધાન અર્થ તથા કામની સાધના માટે સજાગ બનાવે છે. આ સંસ્કાર પછી વ્યકિત માટે ત્રિકાલ સંધ્યા, દૈનિક સ્નાન તથા શરીરની શુદ્ઘતા અને વિવેકપૂર્ણ આહાર આવશ્યક છે. આ સંસ્કારથી વ્યકિત ધર્મનું વાસ્તવીક સ્વરૂપ સમજી વૈયકિતક તથા સામાજીક આવશ્યકતાઓ તથા કર્તવ્યો પ્રત્યે સભાન બને છે.
શ્રાવણ માસમાં રક્ષા બંધનના દિવસે શ્રવણ નક્ષત્રમાં બ્રાહ્મણો યજ્ઞોપવિત્રી બદલે છે. યજ્ઞોપવિત્રીનો અર્થ - જે બીજા માટે કર્મ કરી પોતાના જ્ઞાનની શક્તિ વડે ત્યાગ અર્પણ કરી બીજાને જ્ઞાન સ્વરૃપ કર્મ કરી ત્યાગ અને બલીદાન આપે તેમને યજ્ઞોપવિત્રી કહે છે. યજ્ઞોપવિત્રીમાં ૩ તાર ના ધાગા હોય છે. તે દરેક તારમાં ત્રણ ત્રણ ધાગા હોય છે. એટલે કુલ નવ તંતુ હોય છે.
યજ્ઞોપવિત્રીમાં દરેક તંતુના દેવતા આ મુજબ છે :
(૧) પ્રણવ, (૨) અગ્નિ, (૩) સર્પ, (૪) સોમ, (૫) પિતૃ, (૬) પ્રજાપતિ, (૭) અનીલ (વાયુ), (૮) યમ, (૯) વિશ્વદેવા.
યજ્ઞોપવિત્રીમાં જે બ્રહ્મગાંઠ હોય છે તેના દેવતા - બ્રહમા , વિષ્ણુ, મહેશ છે.
રક્ષાબંધનને બ્રાહ્મણો બળેવ કહે છે. કારણ કે તે દિવસે જનોઈ બદલાવા સમયે સર્વે દેવનું આહવાન આપી અને બળ (શક્તિ) માગે છે. ગાયત્રી મંત્ર ચાર વેદની માતા ગણાય છે. આથી બ્રાહ્મણ જ્યારે બહારનું કર્મ કરે ત્યારે તે કર્મને બળ દેવા માટે ગાયત્રી મંત્ર જપે છે. ગાયત્રી મંત્ર ના ૨૪ અક્ષર છે, જેથી આ મંત્ર ગાયત્રી મંત્ર તરીકે ઓળખાય છે.
ગાયત્રી મંત્ર ૩ પદમાં છે જેથી તેને ત્રિપદા ગાયત્રી પણ કહેવામાં આવે છે. ગાયત્રી મંત્રના ઋષિ વિશ્વામિત્ર, દેવતા સવિતા અને છંદ ગાયત્રી છે. ગાયત્રી મંત્ર ઋગ્વેદના ૩જા મંડળનો ૬૨ મા સૂક્ત નો ૧૦ મો શ્લોક છે.
તત્સવિતુર્વરેણ્યમ્ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ II
ગાયત્રી મંત્રનો અર્થ:
સવિતા દેવના તે વરેણ્ય (ઇચ્છવા લાયક) તેજનું અમે ધ્યાન ધરીએ છીએ કે, જે આમારી બુદ્ધિને તીવ્ર બનાવે (ઉત્કર્ષ કરે).
No comments:
Post a Comment