04 August, 2009

રક્ષાબંધન - સ્નેહ અને સંસ્કારનું પર્વ

પૌરાણિક કથા મુજબ બલિરાજા ધર્મનિષ્ઠ અને દાનવીર હતા. તેમણે જ્યારે યજ્ઞ કર્યો ત્યારે ભગવાન વિષ્ણુ વામનનું રૂપ ધારણ કરીને હાજર થયા. બલિરાજાએ પોતાના યજ્ઞમંડપમાં આવેલા વામનનું સ્વાગત કર્યું અને દાન આપવાની ઈચ્છા વ્યક્ત કરી.

ભગવાન વિષ્ણુએ (વામને) ત્રણ પગલા જમીનની દાન સ્વરૂપે માંગણી કરી. બલિરાજાએ
ત્રણ પગલાં દાન આપવાનું સ્વીકાર્યું. વામન સ્વરૃપે આવેલા વિષ્ણુએ એક પગલામાં સમગ્ર પૃથ્વીને, બીજા પગલામાં સ્વર્ગને આવરી લીધું. આ પછી ત્રીજું પગલું ક્યાં મૂકવું એ અંગે બલિરાજાને પૂછ્યું તો તેમણે પોતાનું મસ્તક નમાવ્યું. ભગવાન વિષ્ણુ તેમનો પગ બલિરાજાના માથા ઉપર મૂકે છે અને તે પાતાળમાં પહોંચી જાય છે. લક્ષ્મીને વિષ્ણુનું આ (કપટ) ગમ્યું ન હતું તેથી તેનું રક્ષણ કરવા માટે જમણા હાથે રક્ષાબંધન કરે છે. પાતાળમાં પહોંચેલા બલિરાજાનું રક્ષણ થાય છે અને ભગવાન વિષ્ણુ તેના માથા ઉપરથી પોતાનું પગલુ હટાવી લે છે. બલિરાજાની ઉદારતાથી પ્રસન્ન થયેલા વિષ્ણુ બલિરાજાને વરદાન આપે છે.

બીજી એક પૌરાણિક કથા મુજબ, દેવ અને દાનવો વચ્ચે બાર વર્ષ યુદ્ધ ચાલેલું. દાનવોએ બધા દેવોને ઇન્દ્ર સહિત જીતી લીધાં. ઈન્દ્રે દેવોના ગુરુ બૃહસ્પતિને જણાવ્યું કે, હું યુધ્ધ કરવા ઇચ્છું છું. બૃહસ્પતિ અને ઈન્દ્ર વચ્ચે આ સંવાદ ચાલતો હતો ત્યારે ઇન્દ્રાણી આવ્યા અને બોલ્યાં હે, દેવ આજે ચૌદશ છે અને આવતીકાલે પૂર્ણિમા થશે. હું આપના હાથે રક્ષાબંધન કરીશ ને આપ અજેય બની જશો. અને તે રક્ષાસુત્ર ધારણ કર્યાં પછી ઇન્દ્ર યુદ્ધ જીતી ગયા હતા.

દર વર્ષે શ્રાવણી પૂર્ણિમાના દિવસને રક્ષા બંધન તરીકે મનાવવામાં આવે છે. પહેલાના જમાનામા બહેનો પ્રેમ અને સ્નેહથી રેશમી વસ્ત્રની રક્ષા પોટલી (રાખડી) જાતે તૈયાર કરતા હતા. પરંતુ જમાનો બદલાયો અને આજે તો બજારમાં વિવિધ પ્રકાર ની રાખડીઓ તૈયાર મળે છે.

રક્ષાબંધન એ ભારતીય સંસ્કૃતિનું ભાઈ-બહેનના સ્નેહનું પર્વ છે. રક્ષાબંધનનો તહેવાર અત્યંત પવિત્ર માનવામાં આવે છે. બહેનો પોતાના ભાઈના હાથે રાખડી બાંધી ભાવના અને ભક્તિથી તેનું દીર્ધાયુષ્ય ઇચ્છે છે.

No comments: