10 April, 2010

Updesh Saar by Sri Raman Maharshiकर्तुराज्ञया प्राप्यते फलम् ।
कर्म किं परं कर्म तज्जडम् ।। १ ।।

સૄષ્ટિકર્તા ઈશ્વરની આજ્ઞાથી જ (કર્મના સિદ્ધાંત અનુસાર) કર્મફળની પ્રાપ્તિ થાય છે. ફળ પ્રાપ્ત કરવામાં શું કર્મ અંતિમ કારણ છે ? ના, ના. કારણ કે કર્મ તો જડ છે. (૧)

कृतिमहोदधौ पतनकारणम् ।
फलमशाश्वतं गतिनिरोधकम् ।। २ ।।

(જડ ક્રિયાઓનું અનુસરણ) એ કર્મના મહાસાગરમાં પતનરૂપ જ છે. કર્મનું ફળ હંમેશા નાશવાન, અલ્પ અને અનિત્ય હોવાથી આત્મજ્ઞાન પ્રતિ મનુષ્યની ગતિમાં તે વિઘ્નરૂપ કે અવરોધક છે (જે આત્મજ્ઞાન મોક્ષનું સાક્ષાત્ કારણ છે.) (૨)

ईश्वरार्पितं नेच्छया कृतम् ।
चित्तशोधकं मुक्तिसाधकम् ।। ३ ।।

કર્મફળની વાસના, અપેક્ષા કે ઈચ્છાથી કરાયેલાં કર્મો નહીં, પરંતુ ઈશ્વરને અર્પણ કે સમર્પિત થયેલાં (નિષ્કામ) કર્મોથી જ ચિત્તની શુદ્ધિ થાય છે. અને તેવાં કર્મ જ મુક્તિનું પરોક્ષ સાધન થાય છે. (૩)

कायवाङ् मनः कार्यमुत्तमम् ।
पूजनं जपश्चिन्तनं क्रमात् ।। ४ ।।

કાયા દ્વારા થતી વિધપુર્વકની પુજા, વાણી દ્વારા થનારું જપ કર્મ તથા મનથી થનારું ચિંતન કે ધ્યાનરૂપી કર્મ અનુક્રમે અન્યોન્યથી ઉત્તમ છે (અર્થાત્ ક્રમશઃ એકબીજાથી વધુ ઉપયોગી છે) . (૪)

जगतः ईशधीयुक्तसेवनम् ।
अष्टमूर्तिभृद्देवपूजनम् ।। ५ ।।

જગત એ ઈશ્વરની જ અભિવ્યક્તિ છે, એવી બુદ્ધિથી તેની (જગતની) સેવા કરવી તે જ આઠ મૂર્તિવાળા કે આઠ રૂપોને ધારણ કરનારા દેવની પુજા કહેવાય છે. (૫)

उत्तमस्तवादुच्चमन्दतः ।
चित्तजंजपध्यानमुत्तमम् ।। ६ ।।

મોટેથી ગવાયલી ઈશ્વરની ઉત્તમ સ્તુતિની સરખામણીમાં ઉચ્ચ = મોટે થી બોલીને કરેલો ઉચ્ચ જપ, મંદ = અવાજ વગર ધીરેથી કરેલો મંદ જપ તથા ચિત્તજમ્ = અર્થાત્ માત્ર ચિત્તદ્વારા કરેલી માનસિક જપધ્યાનની ક્રિયા અનુક્રમે એકબીજાથી ઉત્તમોત્તમ છે. (૬)

आज्यधारया स्रोतसा समम् ।
सरलचिन्तनं विरलतः परम् ।। ७ ।।

ઘીની અસ્ખલિત ધારા જેમ, સ્રોત કે સરિતાના સતત પ્રવાહ જેમ, કરવામાં આવેલું અખંડિત કે સરળ ચિંતન, વિરલ કે ખંડિત - ચિંતન કરતાં ઉત્તમ છે. (૭)

भेदभावनात्सोहमित्यसौ ।
भावनाऽभिदा पावनी मता ।। ८ ।।

(જીવ અને ઈશ્વર કે જીવ અને બ્રહ્મ બન્ને ભિન્ન - ભિન્ન છે, તેમા જુદાઈ છે). એવી ભેદ - ભાવના દ્વારા થયેલા ચિંતન (ધ્યાન કે આત્મ - વિચારણા) કરતા તે (ઈશ્વર કે બ્રહ્મ) હું જ છું એવી ભેદરહિત કે અભેદભાવના દ્વારા થયેલું ચિંતન પવિત્ર અર્થાત્ શ્રેષ્ઠ મનાયેલું છે. (૮)

भावशून्यसद्‌भावसुस्थितिः ।
भावनाबलात् भक्तिरुत्तमा ।। ९ ।।

અભેદ ભાવના દ્વારા થયેલ ચિંતનના બળથી કે પ્રભાવથી જ ભાવશૂન્ય (વૃત્તિશૂન્ય સંકલ્પશૂન્ય) સત સ્વરૂપમાં (આત્મસ્વરૂપમાં) સમ્યક્ સ્થિતિ પ્રાપ્ત થાય છે. તે જ ઉત્તમ ભક્તિ કહેવાય છે. (૯)

हृत्स्थले मनस्स्वस्थता क्रिया ।
भक्तियोगबोधाश्च निश्चितम् ।। १० ।।

મનનું હૃદયમાં સ્થિત થવું (અર્થાત્ 'સ્વ' સ્વરૂપમાં, આત્મસ્વરૂપમાં એકાકાર થવું, સુસ્થિર થવું) તે જ કર્મ, ભક્તિ, યોગ તથા જ્ઞાનનું અંતિમ લક્ષ્ય કે ધ્યેય છે. તેવું નિશ્ચિત કરાયેલું છે. (૧૦)

वायुरोधनाल्लीयते मनः ।
जालपक्षिवद्रोधसाधनम् ।। ११ ।।

જેવી રીતે જાળ, પક્ષીના હલનચલન પર નિયંત્રણ મુકે છે, (તેની મુક્ત વર્તણુંકને અવરોધે છે - વર્તનનો નિરોધ કરે છે) . તેવી રીતે વાયુ શ્વાસ કે પ્રાણનો નિરોધ કે નિયંત્રણ મનની મુક્ત ક્રિયાનું નિયંત્રણ કે નિરોધ કરે છે. માટે વાયુનો નિરોધ એ મનોલયનું સાધન છે. (૧૧)

चित्तवायव्श्चित्क्रिया युताः ।
शाखयोर्द्वयी शक्तिमूलका ।। १२ ।।

ચિત્ત (મન) અને વાયુ (પ્રાણ) અનુક્રમે જ્ઞાન ને ક્રિયા શક્તિથી યુક્ત છે. આ બન્ને (શક્તિરૂપી) શાખાઅઓનું મૂળ ઈશ્વરની જ એક શક્તિ છે. (૧૨)

लयविनाशने उभयरोधने ।
लयगतं पुनर्भवति नो मृतम् ।। १३ ।।

નિરોધના બે પ્રકાર છે. મનોલય અને મનોનાશ, તેમા જે મન લયને પ્રાપ્ત થાય છે, તે પુનઃ જન્મે છે. (અર્થાત્ તેના વિષયમાં સક્રિય થાય છે.) જ્યારે નાશ પામેલું મન કદાપિ (વિષયોમાં જાગૃત કે સક્રિય) થતું નથી. (૧૩)

प्राणबन्धनाल्लीनमानसम् ।
एकचिन्तनान्नाशमेत्यदः ।। १४ ।।

પ્રાણાયમ કે પ્રાણનિરોધથી લયને પ્રાપ્ત થયેલું આ મન એક - અદ્વિતીય આત્મવસ્તુના અભેદ ચિંતનથી નાશને પામે છે. (૧૪)

नष्टमानसोत्कृष्टयोगिनः ।
कृत्यमस्ति किं स्वस्थितिं यतः ।। १५ ।।

જેનુ મન નષ્ટ થયું છે, (અર્થાત્ બ્રહ્મસ્વરૂપ જ થઈ ગયું છે) તેવા સર્વશ્રેષ્ઠ યોગી માટે કોઈ જ કર્તવ્ય કર્મ હોતું નથી. કેમ કે તે તો આત્મસ્વરૂપમાં (અભેદભાવે) સ્થિત થઈ ગયો છે. (૧૫)

दृश्यवारितं चित्तमात्मनः ।
चित्त्वदर्शनं तत्वदर्शनम् ।। १६ ।।

દ્ર્શ્યથી પરાવૃત્ત (નિવૄત્ત, વિમુખ કે પાછા વળેલા) થયેલા ચિત્તને પોતના ચૈતન્યસ્વરૂપ (આત્માના) દર્શન થાય છે. અને તેને જ તત્વદર્શન કહેવાય છે. (૧૬)

मानसं तु किं मार्गणे कृते ।
नैव मानसं मार्ग आर्जवात् ।। १७ ।।

મન છે શું ? તેવી વિચારણા કે મનની શોધ કરવાથી જણાય છે કે મન જેવી કોઈ વસ્તુ જ નથી. આવો વિચારમાર્ગ આર્જવ - અર્થાત્ ઋજુ - સરળ તથા સીધો છે. (૧૭)

वॄत्तयस्त्वहं वृत्तिमाश्रिताः ।
वृत्तयो मनो विध्दयहं मनः ।। १८ ।।

સર્વ વૃત્તિઅઓનો સમૂહ કે પ્રવાહ अहम् વૃત્તિ પર (અર્થાત્ અહંકાર પર) આશ્રિત કે અવલંબિત છે. આ વૃત્તિઓ જ મન છે. માટે अहम् વૃત્તિ કે અહંકાર જ મન છે. (૧૮)

अहमयं कुतो भवति चिन्वतः ।
अयि पतत्यहं निजविचारणम् ।। १९ ।।

અરે ! ઓ ચિંતક ! આ અહંકાર ઉદય પામે છે ક્યાથી ? એ પ્રમાણે વિચાર કે ચિંતન કરનારનો અહંકાર પતન પામે છે. આવા ચિંતનને જ નિજવિચારણા કે આત્મવિચાર કહેવાય છે. (૧૯)

अहमि नशाभाज्यहमहंतया ।
स्फुरति हृत्स्वयं परमपूर्णसत् ।। २० ।।

અહંકારનો નાશ થતા "અહમ્ - અહમ્" તરીકે હૃદયસ્થ આત્મા અન્યની અપેક્ષા વગર સ્વયં જાતે જ "परम्" અર્થાત્ દેશ, કાળ અને વસ્તુથી પર, "पूर्ण" અર્થાત્ અનંતરૂપે, "सत् "અર્થાત્ શાશ્વત અસ્તિત્વ રૂપે પ્રકાશે છે. (૨૦)

इदमहंपदाभिख्यमन्वहम् ।
अहमिलीनकेऽप्यलयसत्तया ।। २१ ।।

અહંકારનો પ્રતિદિન (સષુપ્તિમાં) લય થતો હોવા છતાં આ "અહમ્" પદથી ઓળખાયેલ, (લયરહિત, સત્તાવાળો) (ચૈતન્ય આત્મા) અલય - અસ્તિત્વ તરિકે (કાયમ) રહે છે. (૨૧)

विग्रहेन्द्रियप्राणधीतमः ।
नहमेकसत्तज्जड़ ह्यसत् ।। २२ ।।

હું, સ્થૂળ શરીર, ઈન્દ્રિયો, પ્રાણ, બુદ્ધિ, અને અજ્ઞન વગેરે નથી. તે સર્વ કાંઈ જડ છે. માટે તેમને અસત્ રૂપ જ જાણ. . હું તો એક - અદ્વિતીય સત્ સ્વરૂપ છું. (૨૨)

सत्त्वभासिका चित्क्व वेतरा ।
सत्तया हि चिच्चित्तया ह्यहम् ।। २३ ।।

सत् વસ્તુ આત્માનું પ્રકાશક તેથી ઈતર કે અન્ય ચિત્ કે ચૈતન્ય ક્યાં ? (અર્થાત્ સત્ જ ચિત્ત છે, કે સ્વયં પ્રકાશે છે.) ખરેખર તો સત્ સ્વરુપે (અસ્તિત્વ રૂપે) ચિત્ કે ચૈતન્ય જ છે. વાસ્તવમાં જે ચૈતન્યસ્વરૂપે (સ્વયં પ્રકાશે છે) તે હું જ છું. (સત્ એજ ચિત્ છે, ચિત્ત એજ હું છું.) (૨૩)

ईशजीवयोर्वेषधीभिदा ।
सत्स्वभावतो वस्तु केवलम् ।। २४ ।।

ઈશ્વર અને જીવમાં જે ભેદ છે, તે તો માત્ર વેષભૂષાની ભેદબુદ્ધથી જ જણાય છે. सत् સ્વભાવની દ્રષ્ટિએ ઈશ્વર અને જીવ બન્નેમાં આત્મવસ્તુ કે ચૈતન્ય તો કેવળ એક - અદ્વિતીય અને સમાન છે. (૨૪)

वेषहानतः स्वात्मदर्शनम् ।
ईशदर्शनं स्वात्मरूपत् ।। २५ ।।

જીવની વ્યક્તિ કે પિંડરૂપી વેશભૂષા, અને ઈશ્વરની વિરાટ કે બ્રહ્માંડરૂપી વેશભૂષા, અગર જીવની 'કાર્ય' ઉપાધિ અને ઈશ્વરની 'કારણ' ઉપાધિ જ્ઞાનમાં નષ્ટ થતાં, આત્મદર્શન અર્થાત્ આત્મસાક્ષાત્કાર થાય છે. આવું આત્મદર્શન એ જ ઈશ્વર દર્શન છે. કારણ કે ઉપાધિમુક્ત ઈશ્વર આત્મસ્વરુપ જ છે. (૨૫)

आत्मसंस्थितिः स्वात्मदर्शनम् ।
आत्मनिर्द्वयादात्मनिष्ठता ।। २६ ।।

આત્મસ્વરૂપમાં સમ્યક સ્થિતિ એ જ આત્મદર્શન છે. આત્મા દ્વૈતરહિત હોવાથી અર્થાત્ એક, અદ્વિતીય હોવાથી આત્મામાં પ્રયત્નરહિત સહજ નિષ્ઠા એ જ આત્મદર્શન છે. (૨૬)

ज्ञानवर्जिताऽज्ञानहीनचित् ।
ज्ञानमस्ति किं ज्ञातुमन्तरम् ।। २७ ।।

વિષયજ્ઞાન, ઈન્દ્રિયગમ્ય કે પ્રત્યક્ષજ્ઞાનથી વર્જિત, અજ્ઞાનથી રહિત ચૈતન્ય જ અભેદ - આત્મજ્ઞાન છે. તેનાથી અન્ય જાણવા જેવું છે શું ? (૨૭)

किं स्वरूपमित्यात्मदर्शने ।
अव्ययाऽभवाऽऽपूर्णचित्सुखम् ।। २८ ।।

"મારું 'સ્વ' સ્વરુપ છે કેવું ?" એ પ્રમાણે વિચાર કરવાથી આત્મદર્શન કે આત્મજ્ઞાન થાય છે કે હું અવ્યયરહિત, અજન્મા, પરિપૂર્ણ, ચૈતન્યમય, પરમસુખ સ્વરુપ છું. (૨૮)

बन्धमुक्त्यतीतं परं सुखम् ।
विन्दतीह जीवस्तु दैविकः ।। २९ ।।

દૈવીગુણ સંપન્ન કોઈ વિરલ જીવ જ વાસ્તવમાં બંધન અને મુક્તિથી પર અતીન્દ્રિય કે પરમસુખને, અહીં - આ જગત - કે આ મનુષ્યદેહમાં, અત્યારે જ પ્રાપ્ત કરે છે. (૨૯)

अहमपेतकं निजविभानकम् ।
महदिदं तपो रमणवागियम् ।। ३० ।।

અહંકારથી મુક્ત 'સ્વ' સ્વરુપનું જ્ઞાન થવું એ જ મહાન તપ છે. આ જ શ્રી રમણ મહર્ષિજીની સ્વાનુભવયુક્ત વાણી છે. (૩૦)

No comments: